:: ઓબામા મામા ને લવ લેટર ::
પ્રિય આખી દુનિયા માટે પરમપૂજ્ય ઓબામા મામા ,
અમદાવાદ મેટ્રો સિટી ગામેથી ધ્વનિતના સાદર પ્રણામ. આપની કુશળતા ચાહું છું. આપના આગમનના સમાચાર સંભાળીને ઘરના સર્વેને ઘણો આનંદ થયેલ છે.
ગયા વખતે તમે દિવાળીમાં આવેલા ..2010માં...એ વખતે તમારા મોઢે સાલ મુબારક અને નમસ્તે સાંભળીને અમારું મન થનગન થનગન નાચી ઉઠેલું! આ વખતે ખાસ તમને શિખવાડવાનું કે પરેડ જોયા પછી 'જય હિન્દ જય ભાજપ' .. સોરી 'જય હિન્દ જય ભારત' બોલતાં શીખી જજો.
હમણાં જ પેલા ચાઈના વાળા જીન પીંગ ભાઈ અમારી સાબરમતીને કિનારે સંખેડાના હિંચકે ઝૂલીને ગયા. આ વખતે તમે કદાચ જમુના કિનારે જવાના છો ..તાજમહેલ જોવા.. સાથે મિશેલમામી હશે...બંને બેબીઓ ય હશે. એમને આગરાના પેઠા ખાસ ખવડાવજો. અમારે ત્યાં એંઠા બોર ખવડાવવાનો રીવાજ છે, પણ એંઠા પેઠા તમારી સિક્યુરીટી તમને ચાખવા નહીં દે.
તમને તેલ ના કૂવા બહુ ગમે છે અમે જાણીએ છીએ. અમારે ત્યાં ભલે તેલના કૂવા નથી, પણ અમારા ભજીયા, કચોરી, સમોસા પણ તેલ નો ભંડાર જ છે. ચાખી જોજો!
તમારા આવતા પહેલા તમારી બહુ વાતો આવી. બહુ વાતો.. પછી તમારી સિક્યોરીટી આવી અને હવે સાંભળ્યું છે કે તમે આવો એ પહેલા ભારતમાં તમે થોડો ઓક્સીજન પણ મોકલાવ્યો છે! થેંક યુ હોં!
મામા અમે તમારી કાર ના ફોટા જોયા! મસ્ત છે.. કેટલામાં પડી? એવરેજ કેટલી આપે છે ? એકાદ આંટો તો ખવડાવો! આ અમારા હરખપદુડા ચેનલવાળાઓ નું ચાલે તો બ્રેકીંગ ન્યુઝ માટે તમારા વિમાનની બારીઓ પણ બ્રેક કરી નાખે!
બાકી, દિલ્લીમાં બે દી' બહુ ઠંડી લાગે તો પેલા કેજરીવાલભાઈ પાસે થી મફલર માંગી લેજો. એ ઘર ના જ છે. શરમાતા નહીં!
અને હા, અમિતભાઈ થી દૂર રહેજો! નહીં તો એ તમારી પાસે પણ સભ્યપદ નું ફોર્મ ભરાવી લેશે.
આ સાથે બંને બેબીઓ માટે 11-11 રૂપિયાના શુકનના કવર અને મિશેલમામી માટે ઉતરાણની વધેલી ચીક્કી પેક કરીને મોકલાવું છું. તમારા માટે ખાસ હની સિંહ ના ગીતો ની સીડી છે. ઈરાક અને આઈ.એસ.આઈ.એસ. થી કંટાળો ત્યારે સંભાળજો. ખરો આતંકવાદ કોને કહેવાય એ ખબર પડશે!
આ સાથે ન્યુજર્સીવાળા મહેશભાઈ માટે ઈન્સ્ટન્ટ ઢોકળાના પેકેટ, ફ્લોરીડાવાળા શિલ્પાબેન માટે ખાખરા, થેપલા, અથાણું અને ચિકાગોવાળા ચિન્ટુ માટે ફોલ્ડીંગ ઘોડિયું મોકલવું છું. એમને સંપેતરા હેમખેમ પહોંચાડી દેશો જી.
અને હા, નેક્સ્ટ ટાઈમ આવો તો નવરાત્રી ના ટાઈમે આવજો...
આપણે સાથે ગરબા ગાઈશું કે -
"ડોલરની ગાડી આવી રે ઓબામા મામા,
એ ગાડી માં શું શું લાવ્યા રે ઓબામા મામા?
બોર્ડર પર શાંતિ લાવ્યા રે ઓબામા મામા,
હથેળીમાં ચાંદામામા દેખાડે ઓબામા મામા!"
એક ખાસ વાત, હવે તો તમે સાહેબનો પણ વિસા કરાવી દીધો છે તો એક વાર સેવકનો પણ કરાવી આપો ને...
આ તો શું કે તમારી ભાણેજ-વહુએ લીબર્ટીમાતા ના દર્શન કરવાની બાધા લીધેલી છે.
બસ એ જ લિખિતંગ,
આપની ભવ્ય સરભરાને નિહાળવા ઉત્સુક
તમારો ભાણિયો
રાજા હિન્દુસ્તાની ધ્વનિત
તાજા કલમ: પત્ર સાથે એક ડબ્બી માં તમારા માટે ઇસબગોલ મોકલાવું છું.
ના પચે એવું તમારે તો રોજ વાંચવું પડતું હશે ને!
[Audio Links Here
https://soundcloud.com/dhvanit-1/dhvanit-writes-a-letter-to-obama-01
https://soundcloud.com/dhvanit-1/dhvanit-writes-a-letter-to-obama-02]
Best RJ in Gujarat, Radio Mirchi