ટ્રેઇન ટુ બુસાન
આ શુક્રવારે હિન્દી, અંગ્રેજીની સાથોસાથ એક સાઉથ કોરિયન ફિલ્મ પણ રિલીઝ થઈ છે, ‘ટ્રેઇન ટુ બુસાન’. સામાન્ય રીતે સાઉથ કોરિયાની ફિલ્મો આપણને સીધેસીધી પિરસી દેવામાં આવે તો આપણે તેના પર નજર સુદ્ધાં નાખીએ નહીં, પણ સાઉથ કોરિયાની ફિલ્મોને આપણે ત્યાં આપણા કલાકારો સાથે પિરસવામાં આવે તો આપણે ‘એક વિલન’નું ‘તેરી ગલિયાં ગલિયાં’ ગાતાં ગાતાં એ ફિલ્મ જોવા દોડી જઇએ. પરંતુ આ વખતે એવું નથી. આ વખતે સાઉથ કોરિયન ફિલ્મને સીધી જ અંગ્રેજી ઉપરાંત હિન્દીમાં પણ ડબ કરીને આપણે ત્યાં રિલીઝ કરી દેવાઈ છે.
અચાનક જ આવી ગયેલી આ ફિલ્મ વિશે ઝાઝી ખબર ન હોય એ સ્વાભાવિક છે. ‘ટ્રેઇન ટુ બુસાન’ એક ઝોમ્બી હૉરર થ્રિલર ફિલ્મ છે. દક્ષિણ કોરિયાની રાજધાની સોલથી એક ટ્રેન બુસાન જવા ઊપડી છે. ટ્રેનમાં એક પિતા પોતાની સાતેક વર્ષની દીકરીને લઇને એની મમ્મી પાસે બુસાન લઈ જઈ રહ્યો છે. એક પતિ પોતાની પ્રેગ્નન્ટ પત્નીને લઈને જઈ રહ્યો છે. બે આધેડ વયની બહેનો છે. એક બૅઝબૉલ ટીમ છે. એક આધેડ વયનો વેપારી છે. એક અજાણ્યો લઘરવઘર માણસ છે. સરસ માહોલ છે. ટ્રેન ઊપડવાની તૈયારીમાં જ છે ત્યાં અચાનક જ એક છોકરી દોડતી આવીને ટ્રેનમાં ચડી જાય છે. એક કંઇક ભેદી રીતે બીમાર છે. કોઈ એના માટે મૅડિકલ મદદ મંગાવે ત્યાં જ એ માણસમાંથી ઝોમ્બી બની જાય છે અને ટ્રેઇનની અટેન્ડન્ટને ભરખી જાય છે. બસ, પછી તો ઝોમ્બી બનેલા લોકો એકબીજાને ભરખતા જાય અને નવા ઝોમ્બી સર્જાતા જાય. થોડી વારે ખબર પડે છે કે માત્ર તે ટ્રેન જ નહીં, બલકે આખા દક્ષિણ કોરિયા દેશમાં એ ઝોમ્બીનો આતંક ફેલાયો છે. ત્યારે ટ્રેનમાં સવાર કેટલા લોકો તેમાંથી બચી શકે છે અને બચીને પણ ક્યાં જઈ શકે છે એ જોવું પડે.
મોટા ભાગની ઝોમ્બી મુવીઝમાં કંઇક આ જ પ્રકારની સ્ટોરી હોય છે. પરંતુ આ ફિલ્મ એની ટ્રીટમેન્ટને કારણે અલગ પડે છે. એક તો તે સુપર્બ થ્રિલિંગ છે. ગમે ત્યાંથી ઝોમ્બી ટપકી પડે છે અને તેનાથી બચવા માટે ભાગતા કલાકારોને જોઇને આપણને પણ થઈ આવે કે અહીં પણ ઝોમ્બી ન આવી ચડે તો સારું. ઝોમ્બી એટલે કે સાજા સમા માણસને કરડીને એમનું માંસ-લોહી ચૂસીને એમને પણ તાત્કાલિક ભૂત બનાવી દેતા હાફ ડેડ લોકો. એ તો સ્વાભાવિક રીતે જ ડરામણા છે. પરંતુ એમનો ખોફ ફિલ્મમાં એવો ઊભો કરાયો છે, કે થિયેટરમાંથી બહાર નીકળ્યા પછીયે તે ખોફ આપણી સાથે જ રહે છે.
માત્ર ઝોમ્બી હોરર ફિલ્મ બનાવીને આ ફિલ્મના ડિરેક્ટર અટકી ગયા નથી. તેણે માનવીય સંવેદનાઓને પણ એટલી જ અસરકારકતાથી તેમાં વણી લીધી છે. ફિલ્મના તમામ મુખ્ય પાત્રો સાથે આપણને એ હદે અટૅચમેન્ટ થઈ જાય કે આપણને પણ એમની ચિંતા થવા માંડે.
સૅકન્ડ હાફમાં આપણને ફિલ્મ થોડી ઢીલી લાગે છે, કારણ કે એની એ જ દોડાદોડી ચાલુ રહે છે. પરંતુ સાથોસાથ આપણે ફિલ્મનાં પાત્રો માટે એ પણ વિચારતા થઈ જઇએ છીએ કે હવે આનો ઉકેલ શું હોઈ શકે. પરંતુ ડિરેક્ટર ઉકેલ આપવા કરતાં આપણને પરિસ્થિતિમાં ડૂબાડવામાં વધારે રસ ધરાવે છે એ ચોખ્ખું દેખાઈ આવે છે.
થોડાક ઢીલા સૅકન્ડ હાફને બાદ કરતાં આ ફિલ્મ જબરદસ્ત થ્રિલ આપે છે અને સાથોસાથ આપણને વિચારતા પણ કરી મૂકે છે. જો ઝોમ્બી હોરર ફિલ્મ્સના ફેન હોવ (જે હું નથી!) તો કોઇપણ ભોગે આ ફિલ્મ ચૂકવા જેવી નથી. આ ફિલ્મને 3.5 મિર્ચીઝ આઉટ ઓફ 5
mirchibioscope:, TraintoBusan, mirchimoviereview