બાહુબલી- ધ બિગિનિંગ
તેલુગુ ફિલ્મો બનાવનારા ડિરેક્ટર એસ. એસ. રાજમૌલી એવા ફિલ્મમેકર છે જેમની મોટાભાગની તેલુગુ ફિલ્મો હિન્દીમાં અવતરિત થઈ છે. જેમ કે, વિક્રમાકુડુ (રાઉડી રાઠોડ), ઈગા (મખ્ખી) અને મર્યાદા રામન્ના (સન ઑફ સરદાર). માગાધીરાથી એમને લાર્જર ધેન લાઇફ ફિલ્મમેકર તરીકે લોકો ઓળખતા થયા. પરંતુ આ વખતે એમણે લાર્જર ધેન લાઇફની તમામ બાઉન્ડરીઝ ક્રોસ કરી નાખી છે. એમની આ નવી ફિલ્મ ‘બાહુબલી’ ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોંઘી ફિલ્મ ગણાય છે.
પરંતુ ફિલ્મ જુઓ એટલે બસ્સો કરોડ રૂપિયા એમાં ક્યાં ક્યાં વપરાયા છે એનો ખ્યાલ આવી જાય. જાયન્ટ સાઇઝના સેટ્સ, અફલાતૂન સિનેમેટોગ્રાફી, થિયેટરમાં બેઠાં બેઠાં જોઇને પણ બીક લાગે એવો વિશાળ ધોધ, બાવડાનાં બળથી શિલાઓ ઊંચકી લેતા અને માતેલા સાંઢને પણ વશમાં કરી લેતા હીરો અને મહાભારતના યુદ્ધની યાદ અપાવે એવી અત્યંત વિશાળ કૅન્વાસમાં પથરાયેલી લાંબી વૉર સિક્વન્સ.
માત્ર હોલિવૂડની ફિલ્મોમાં જ સ્પેશ્યલ ઇફેક્ટ્સ શાનદાર હોય છે એવી માન્યતા હોય તો આ ફિલ્મ જોયા પછી એ ભાંગીને ભૂક્કો થઈ જશે. વિશાળ ધોધ, પહાડો અને વાદળોની વચ્ચે બનેલો એકદમ લાર્જ પૅલેસ, યુદ્ધમાં સામસામે ટકરાતા હજારો સૈનિકો, ખિલતાં ફૂલો, બરફરનો વરસાદ... બધે જ ઠેકાણે સ્પેશ્યલ ઇફેક્ટ્સનો છૂટથી ઉપયોગ. તેમ છતાં અમુક સીન્સને બાદ કરતાં ક્યાંય કશું કૃત્રિમ ન લાગે કે ફિલ્મની ભવ્યતામાં ઓટ ન આવે. એટલે સુધી કે એક પાત્રને પોલિયોગ્રસ્ત બતાવવા માટે એના હાથને રીતસર પોલિયો થયો હોય એવો સ્કિની બતાવવામાં આવ્યો છે.
તેલુગુ સ્ટાર પ્રભાસ આપણે ત્યાંની હિન્દી ફિલ્મોમાં અગાઉ દેખાયો નથી. પરંતુ સલમાન, હૃતિક, અજય દેવગણને પણ કોમ્પ્લેક્સ થઈ જાય તેવું એનું ગઠિલું બદન અને હિરોઇક પર્સનાલિટી બતાવાઈ છે. ઉપરથી એની મસ્ક્યુલિનિટી બતાવવા માટે એણે જે પરાક્રમો કર્યા છે (જેમ કે પોસ્ટરોમાં દેખાય છે એમ શિવલિંગ ઉપાડવી, આપણા મોંમાંથી હાયકારો નીકળી જાય એવા વિશાળ ધોધ પર ચડવું અને પડવું, યુદ્ધમાં ગજબનાક સ્ફૂર્તિથી દુશ્મનોને ધૂળમાં મિલાવી દેવા, ઘોડા કે હાથીને પણ પાડી દેવા વગેરે), તેમાં પણ દરેક ઠેકાણે ડિરેક્ટર એસ. એસ. રાજમૌલીની ક્રિયેટિવિટી દેખાઈ આવે છે.
હીરો પ્રભાસ પછી સૌથી વધુ પ્રભાવિત કરે છે, તે છે રાણા દગુબત્તી. માત્ર એ વિલન છે એટલે એને બિચારાને નેગેટિવ શૅડમાં બતાવવો પડે, બાકી હિરોઇઝમમાં એ ક્યાંય ઊણો ઊતરતો નથી. ફિલ્મના પહેલા જ સીનથી જે ઇમ્પ્રેસ કરે છે તે છે રામ્યા ક્રિશ્નન. એની વિશાળ આંખો અને દમદાર અવાજવાળી છટાદાર પર્સનાલિટી જોઇને લાગે કે વિશાળ સામ્રાજ્યની સામ્રાજ્ઞી આવી જ હોય. સ્ત્રી ગૌરવની વાત પણ અહીં કહ્યા વિના રામ્યાના પાત્રથી કહેવાઈ ગઈ છે. હિરોઇન તમન્ના ભાટિયા અહીં કરડો ચહેરો કરીને તલવારો વીંઝ્યા કરે છે, પણ એની નેચરલ કુમાશ જતી નથી. અધૂરામાં પૂરું એની હીરો સાથેની લવસ્ટોરી ફિલ્મની ગતિમાં લંગસિયું નાખે છે.
દરેક ડિપાર્ટમેન્ટમાં ‘એપિક’ની કેટેગરીમાં બેસતી આ ફિલ્મની સૌથી મોટી નિરાશા હોય તો તે છે એમ. એમ. ક્રીમનું અત્યંત નબળું મ્યુઝિક. આવા દિગ્ગજ સંગીતકાર આટલું નબળું મ્યુઝિક આપે અને તે પણ આવી વિશાળ ફિલ્મ માટે એ કોઈ રીતે માની શકાય એવી વાત નથી. એટલે સુધી કે એમનાં ગીતો સાંભળવાની તો મજા નથી જ પડતી, પણ ફિલ્મમાં પણ તદ્દન બિનજરૂરી લાગે છે.
અઢી કલાકની ફિલ્મ જોયા પછી આઘાત લાગે તે પહેલાં જાણી લેવા જેવી વાત એ છે કે ‘બાહુબલી-ધ બિગિનિંગ’ એ આ એપિગ સાગાનો પહેલો ભાગ છે. બીજો અને અંતિમ ભાગ આવતા વર્ષે આવશે. આપણે ત્યાં પણ હૉલીવુડને ટક્કર મારે એવી ફિલ્મો બને છે એના જીવતાજાગતા પુરાવા જેવી આ ફિલ્મ જરાય ચૂકવા જેવી નથી.
સ્ટ્રિક્ટ્લી થિયેટરમાં જ જોવા જેવી આ લાર્જર ધેન લાઇફ પિરિયડ ડ્રામા ફિલ્મને 4 મિર્ચીઝ out of 5.
(From my article in NavGujarat Samay)
www.facebook.com/dhvanitthaker
Baahubali, Bioscope, bahubali