પ્રેમજી:
'અરરરરે ધ્વનિત તું ગુજરાતી ફિલ્મો વિષે રેડિયો પર બહુ વાત કેમ નથી કરતો?' - આ સવાલ પૂછનારને મારે જવાબમાં પહેલા કહેતો કે, 'જોતાવેંત ગમી જ જાય એવી ગુજરાતી ફિલ્મો જૂજ બને છે. મારે ફિલ્મના નેગેટીવ પોઈન્ટ્સ હાઈલાઈટ કરવા નથી અને ફિલ્મ વિષે ઘસાતું બોલવું નથી. હું ખોટા વખાણ કરી નહીં શકું અને સાચું બોલીશ તો ફિલ્મના વકરાને નુકસાન થશે. એના કરતા સબસે બડી ચુપ. છેલ્લા 4 વર્ષમાં એવી 4 ફિલ્મો આવી છે જેના માટે મેં ગીતો ગાયાં હોય ( including 'કેવી રીતે જઈશ') પણ મેં એમનો રીવ્યુ નથી કર્યો કારણ કે, મેં એ ફિલ્મો જોઈ જ નથી. હું રાહ જોઉં છું એ સમયની જયારે ઓડીયન્સ મને ગુજરાતી ફિલ્મોની વાત કરવા માટે, સોન્ગ્સ પ્લે કરવા માટે ફરજ પાડે.'
હું બહુ જલ્દી ખોટો પડ્યો. 'બે યાર'ને ઓડીયન્સે જબરદસ્ત પ્રતિસાદ આપ્યો. એ ફિલ્મ મેં બહુ મોડી જોઈ અને મને અફસોસ થયેલો કે, 'મેં એનો રીવ્યુ ટાઈમસર કર્યો હોત તો !' જે વખાણવાલાયક છે એને ના વખાણું તો એમાં મારી જ ભૂલ છે.
સમય જતાં મને સમજાયું કે ગુજરાતી ફિલ્મના રીવ્યુમાં 'એ જોવાલાયક છે કે નહીં' એવું વિચાર્યા કરતાં હવે એક આખી નવી પેઢી, ઉગતા કલાકારો, ટેલેન્ટેડ રાઈટર્સ- ડીરેક્ટર્સ નવી દિશામાં ઉડાન ભરી રહ્યાં છે એ વાત પર વધુ ભાર મુકવો જોઈએ.અને એમના પ્રયત્નોને તો બિરદાવવા જ રહ્યા . જો એમ નહીં થાય તો નવું કંઇક કરવાના જોમ પર ટાઢું પાણી રેડાશે અને પ્રોડ્યુસર્સ ગુજરાતી ફિલ્મોમાં પૈસા રેડવા રાજી જ નહીં થાય. 'બે યાર'ની સુપર સકસેસ પછી નવી- નવી ઘણી ફિલ્મો આવી રહી છે અને ગુજરાતી ફિલ્મોને દર્શકો મળવા લાગ્યા છે. વળી, આ નવી ફિલ્મોમાં વિષય વૈવિધ્ય પણ છે.
આ શુક્રવારે રીલીઝ થઇ છે 'પ્રેમજી'. કોઈને ઘણી બોલ્ડ લાગશે તો કોઈને બોરિંગ. ઘણાં એવાં પણ મળશે જે કહેશે કે ફિલ્મ બિનજરૂરી રીતે લાંબી છે. હશે કદાચ, પણ અગત્યનું એ છે કે નિર્દેશક વિજયગીરીની આખી ફિલ્મના યુનિટના સભ્યોની એવરેજ ઉંમર કદાચ 27-28 હશે. આ એક જબરદસ્ત ઈન્ડીકેટીંગ ફેક્ટર છે.
સમયની પ્રતિકૂળતાને લીધે મેં ફિલ્મનો માત્ર સેકંડ હાફ જ ધ્યાનથી જોયો છે એમ કહી શકાય . અને એમાં અભિમન્યુ સિંહની ભાવવાહી પ્રેઝેન્સને લીધે ફ્લેશબેક દમદાર લાગે છે. એડીટીંગની કચાશને લીધે ફિલ્મ ઘણી લાંબી વર્તાય છે, પરંતુ મેં અગાઉ કહ્યું એમ આ તબક્કે ફિલ્મના નેગેટીવ પોઈન્ટ્સ ગણીને મારે વાંકદેખો બનવું નથી. ફિલ્મના સંગીતકારો કેદાર-ભાર્ગવનું મિલિન્દ ગઢવી એ લખેલ એક ગીત 'મેં તો સૂરજને રોપ્યો છે આંગણે'ની ધૂન એક વાર સાંભળી લીધા પછી મનમાં રમ્યા કરે કરે એવી બની છે. નેક્સ્ટ વીક 'બજરંગી ભાઈજાન' અને આ અઠવાડિયે 'બાહુબલી'ને કારણે ફિલ્મને કોમર્શિઅલ સકસેસ મળવી ઓલમોસ્ટ ઈમ્પોસીબલ છે.
'બાહુબલી' મૂળ તેલુગુ ભાષામાં બનેલી હિન્દીમાં ડબ કરેલી 200 કરોડના ખર્ચે બનેલી 'અદ્ભુત-વિશેષણ-નાનું-પડે' એવી ફિલ્મ છે. જયારે અત્યારે બનતી ગુજરાતી ફિલ્મનું બજેટ માંડ 50 લાખ હોય છે. એક મરાઠી ફિલ્મ 'કિલ્લા'ના આજકાલ ખૂબ વખાણ થઇ રહ્યા છે. આપણે ત્યાં આવી ફિલ્મો બનવાનું ક્યારે શરુ થશે? ઓપ્ટીમિસ્ટિક જવાબ ક્યારેક તો મળશે એવો વિશ્વાસ છે મને.
GujaratiFilm